ઉર્મિલાબહેન ચૌહાણ ,પંચાયત-સભ્ય (ફૂલપુરા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
પંચાયત-સભ્ય ઉર્મિલાબહેન ચૌહાણ અને માતૃત્વ હક મેળવનારી બહેનો
દેવગઢ બારીયા તાલુકાનાં ગામોની અનેક ગ્રામીણ બહેનો કુપોષણથી પીડાય છે. કેટલીક બહેનો સાત ટકાથી પણ ઓછું હિમોગ્લોબિન ધરાવે છે. તેથી ખાસ કરીને, સગર્ભા અને ધાત્રીબહેનોને સરકારની માતૃત્વ હક યોજનાનો અધિકાર અપાવ્યો છે. જોકે, ફૂલપુરા ગામની સગર્ભા અને ધાત્રી બહેનોને આ યોજનાની રકમ મળતી નહોતી. તાલુકા અને જિલ્લાની સરકારી ઑફિસમાંથી એવું કહેવામાં આવતું કે, ગ્રાન્ટ નથી. યોજનાના અમલીકરણના અભાવની આ સ્થિતિ બારીયા તાલુકાનાં બીજાં અનેક ગામોમાં પણ હતી. તેથી ‘દેવગઢ મહિલા સંગઠન' દ્વારા જિલ્લા અને તાલુકાની ઑફિસો સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં ઉર્મિલાબહેને પોતાના ગામની બહેનો સાથે જોડાઈને ગામની સગર્ભા તથા ધાત્રી બહેનોને માતૃત્વ હક યોજનાનો અધિકાર અપાવ્યો છે. ફૂલપુરા ગામનાં પંચાયત-સભ્ય ઉર્મિલાબહેન, સગર્ભા બહેનોની કાળજી લેવાની સેવાભાવનાથી માતા-મૃત્યુ દર ઘટાડવાની દિશામાં મોટું યોગદાન આપી રહ્યાં છે.
પંચાયત-સભ્ય ઉર્મિલાબહેન ચૌહાણ સાથે વૃદ્ધ પૅન્શન મેળવનારાં સુરજીબહેન તાહેડ
ફુલપુરા ગામનાં પંચાયત-સભ્ય ઉર્મિલાબહેને, તેમના ગામનાં 32 વૃદ્ધો અને 11 વિધવા બહેનોને પેન્શન અપાવ્યું છે. ગામનાં 62 વર્ષનાં વૃદ્ધા સુરજીબહેન તાહેડને વૃદ્ધ પૅન્શન મળતું નહોતું. પૅન્શનની રકમ જમા કરાવવા માટે બૅન્ક ખાતું ખોલાવવાના પણ રૂપિયા તેમની પાસે નહોતા. ઉર્મિલાબહેને તેમને આર્થિક મદદ પૂરી પાડવાની સાથેસાથે વૃદ્ધ પેન્શનનો હક પણ અપાવ્યો.
પંચાયત-સભ્ય ઉર્મિલાબહેન ચૌહાણ સાથે વિકલાંગતા ધરાવતી ગામની કિશોરી
ફૂલપુરા ગામનાં પંચાયત-સભ્ય ઉર્મિલાબહેને પંચાયતના પોતાના વૉર્ડ નંબર સાતમાં આવાસ, હૅન્ડપંપ અને બોરનાં કામો કરાવીને એક જાગૃત અને સક્રિય પંચાયત-સભ્ય તરીકેની ભૂમિકા ભજવી છે. ગામની વિકલાંગતા ધરાવતી કિશોરીને રાહત આપવા તેના ઘર પાસે બોર અને હૅન્ડપંપ બનાવડાવ્યો છે.