ગીતાબહેન હરિજન ,પંચાયત-સભ્ય અને ગ્રામસાથી (અભલોડ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
વિધવા અને વૃદ્ધ પેન્શનના હકદાર પરિવાર સાથે પંચાયત-સભ્ય અને ગ્રામસાથી ગીતાબહેન હરિજન
અભલોડ ગામમાં રહેતાં 30 વર્ષનાં કવિતાબહેન પટેલના પતિ અર્જુનભાઈનું વર્ષ 2018માં ટૂંકી બીમારીમાં અચાનક અવસાન થયું. તેમનાં બે દીકરી અને બે દીકરા ખૂબ નાની ઉંમરનાં તથા સસરા દૃષ્ટિહીન, વયોવૃદ્ધ સાસુ ખેતમજૂરી કરીને પુત્રવધૂને જીવનગુજરાન ચલાવવામાં મદદ પૂરી પાડે ત્યારે તેમનો પરિવાર માંડ બે ટંકનું ભોજન પામે. તેમનાં ગામનાં સક્રિય પંચાયત-સભ્ય ગીતાબહેન હરિજન આ પરિવારની વહારે આવ્યાં છે. ગીતાબહેને કવિતાબહેનને માસિક 1250 રૂપિયાનું વિધવા પૅન્શન તથા તેમનાં સાસુ-સસરાને પણ માસિક 750 રૂપિયાનું વૃદ્ધ પેન્શન અપાવ્યું છે. તેથી અતિ ગરીબ કવિતાબહેન અને તેમના પરિવારની થોડી કઠણાઈ દૂર થઈ.
રાશનનો હક મેળવનાર બહેનો સાથે પંચાયત-સભ્ય અને ગ્રામસાથી ગીતાબહેન હરિજન
રાણીપુરામાં આવેલી રાશનની દુકાનમાંથી અભલોડના લોકોને તેમના અધિકારનું પૂરતું અને નિયમિત અનાજ મળતું નહોતું. ગીતાબહેને ગામના લોકોની અન્ન સુરક્ષા ઊભી કરવામાં નેતૃત્વ પૂરું પાડ્યું છે, તેનાથી બન્ને ગામોમાં તેમની આગવી ઓળખ ઊભી થઈ છે. એક જાગૃત પંચાયત-સભ્ય જો નિષ્ઠાપૂર્વક ગ્રામજનોની સમસ્યા ઉકેલવાનો મક્કમ મનોબળથી પ્રયાસ કરે તો તે સમસ્યાનો ઉકેલ અચૂક આવે એવું ગીતાબહેને રાશનને લગતી સમસ્યા ઉકેલી બતાવીને પુરવાર કર્યું છે.
મોબાઈલનો ઍપનો ઉપયોગ કરી રહેલાં પંચાયત-સભ્ય અને ગ્રામસાથી ગીતાબહેન હરિજન
‘દેવગઢ મહિલા સંગઠન’ અને ‘આનંદી’ દ્વારા આપવામાં આવેલી ડિજિટલ લિટરસીની તાલીમને કારણે ગીતાબહેન, જુદીજુદી વેબસાઇટ અને મોબાઇલ ઍપના માધ્યમથી સરકારી યોજનાઓ તથા અધિકારો અંગેની માહિતી મેળવીને ગામલોકોને તેમના અધિકારો અપાવતાં થયાં છે. માત્ર નવમા ધોરણ સુધી ભણેલાં ગીતાબહેન, તેમની જિંદગીમાં પહેલી જ વાર એન્ડ્રોઇડ મોબાઇલનો ઉપયોગ કરતાં થયાં છે. ‘આનંદી’ દ્વારા તૈયાર કરવામાં આવેલી એમઆઈએસ અંગેની એક મોબાઇલ ઍપનો નિયમિત રીતે ઉપયોગ કરીને ગીતાબહેન જેવાં ગ્રામસાથી બહેનો પોતાના ગામને લગતા મુદ્દાઓ તેમ જ પોતે કરેલા કામોની માહિતીની આપ-લે કરતાં રહે છે
ગામની જુદી જુદી જ્ઞાતિનાં બહેનો સાથે પંચાયત-સભ્ય અને ગ્રામસાથી ગીતાબહેન હરિજન
‘આનંદી’ની તાલીમોમાંથી ગીતાબહેનમાં જે સૌથી વધુ નોંધપાત્ર પરિવર્તન આવ્યું, તે છે પોતાની જાત પ્રત્યે સ્વમાન. દલિત જ્ઞાતિના હોવાથી ગીતાબહેન પહેલાં ગામમાં કોઈના ઘરે જવામાં પણ સંકોચ અનુભવતાં. પરંતુ, વિવિધ તાલીમો લીધા પછી તેમના દૃષ્ટિકોણમાં હકારાત્મક બદલાવ આવ્યો છે, અને તેઓ પંચાયત-સભ્ય તરીકે વિનાસંકોચ ખુરશીમાં બેસતા થયાં છે. તેમનામાં જાત પ્રત્યે સ્વમાનની ભાવના જન્મી તે પછી હવે તેમના ગામના બીજી જ્ઞાતિના લોકો પણ તેમની સાથે આદરભર્યું વર્તન કરે છે.
ગામનાં બહેનોને જુદાં જુદાં ફોર્મ ભરતાં શીખવી રહેલાં પંચાયત-સભ્ય અને ગ્રામસાથી ગીતાબહેન હરિજન
અભલોડનાં પંચાયત-સભ્ય અને ગ્રામસાથી ગીતાબહેન, સંગઠન અને સંસ્થા દ્વારા યોજાતી તાલીમો મેળવીને સક્ષમ થયા છે. હવે તેઓ ગામની બીજી બહેનોને પણ સ્વનિર્ભર બનાવવા મથી રહ્યાં છે. ગીતાબહેને લોકોને જુદીજુદી જરૂરિયાતો માટેનાં ફોર્મ ભરતાં શીખવીને, તેમને જાતે જ મામલતદાર કચેરીની મુલાકાત લેવા સક્ષમ બનાવ્યા છે. અભલોડ અને ભડલા ગામની જૂથપંચાયતમાં વિકાસનાં કામોને વેગ આપવા માટે, હવે તેમનું સરપંચ બનવાનું સ્વપ્ન છે.