મંજુલાબહેન સવાયા ,ગ્રામસાથી (રાતડીયા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
લોકડાઉન દરમ્યાન ગામમાં પરત આવેલા સ્થળાંતરિત કામદારો સાથે વાત કરતાં પંચાયત-સભ્યો અને ગ્રામસાથી મંજુલાબહેન સવાયા
દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના રાતડીયા ગામે કૉમ્યુનિટી ક્વોરન્ટાઈનનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તેનો યશ ગામની પંચાયત, ગામનાં યુવા કાર્યકર મંજુલાબહેન સવાયા અને સ્વૈચ્છિક સંસ્થા ‘આનંદી’ને આપવો રહ્યો. ગામનાં કેટલાંક બાળકો, યુવતીઓ સહિત 33 લોકો સ્થળાંતર કરીને રોજી રળવા, ખેડા જિલ્લાના કપડવંજ પાસેના એક ગામે ગયાં હતાં, લોકડાઉનમાં ફસાયેલા આ સ્થળાંતરિત કામદારો ગામમાં પોતાના ઘરે પાછા ફરવા ઇચ્છતા હતા, કારણ કે તેઓ તેમના ભોજન માટે સીધું-સામાન લઈ ગયા હતા તે પણ ખાલી થઈ ગયું હતું. કોરોના કાળમાં મજૂરી કામ પણ સ્થગિત થઈ ગયું હતું. તેથી રાતડીયાની પંચાયત તથા મંજુલાબહેને ખેડા અને દાહોદ જિલ્લાની કલેક્ટર કચેરીનો સંપર્ક કરીને એ 33 કામદારોને ગામમાં પરત લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ઉપરાંત, કામદારો માટે ગામની પ્રાથમિક શાળામાં કૉમ્યુનિટી ક્વોરન્ટાઈનની સરસ વ્યવસ્થા કરી. ક્વોરન્ટાઇન થયેલા બધા લોકોની અવારનવાર આરોગ્ય-તપાસ તેમ જ રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં રાતડીયાની પંચાયત તથા ગામનાં યુવા કાર્યકર મંજુલાબહેને મહત્ત્વની ભૂમિકા ભજવી.
ગામની ધાત્રીબહેનો સાથે ગ્રામસાથી મંજુલાબહેન સવાયા
ગામની આંગણવાડીમાં મમતા દિવસ યોજાય તેમાં ગામની સગર્ભા બહેનો જતી નહોતી. વળી, દૂરના ફળિયામાં રહેતા ગામનાં બાળકો પણ આંગણવાડીમાં જતાં નહોતાં. તે પ્રશ્નનો નિવેડો લાવવા મંજુલાબહેને આંગણવાડીનાં તેડાગરબહેન દ્વારા નિયમિત રીતે બાળકોને ઘેરથી લાવવા-મૂકવા જવાની વ્યવસ્થા ગોઠવી. તે પછી તેમણે મમતા દિવસમાં બહેનો જતી નહોતી તેનાં કારણોની તપાસ કરી. તેમાં તેમને જાણવા મળ્યું કે, મમતા દિવસના રોજ રસી મૂક્યા પછી બાળકોને તાવ આવતો હતો. તેનાથી ગભરાઈને બહેનોએ તેમાં જવાનું બંધ કર્યું હતું. મંજુલાબહેને તાવ આવવાનાં કારણો અને રસી વિશે વિગતવાર સમજ આપીને ધાત્રીબહેનોની ગેરસમજ અને ડર દૂર કર્યા.
ગ્રામસાથી મંજુલાબહેને, તેમના ગામની શાળાનાં ડ્રોપ આઉટ બાળકોને શાળામાં ફરી વાર જતાં કર્યાં
રાતડીયા ગામના નાયક (આદિવાસી) ફળિયાનાં મોટાભાગના લોકો રોજગારી માટે સ્થળાંતર કરે છે. આ પરિવારનાં બાળકો પણ તેમનાં મા-બાપ સાથે મજૂરીના સ્થળે જતાં રહેતાં હતાં. તેથી એ બાળકોએ શાળા છોડી દીધી. જોકે, કેટલાક પરિવારોને સ્થાનિક ગામોમાં જ બાંધકામમાં મજૂરી મળવા લાગી હોવાથી તેમણે સ્થળાંતર કરવાનું બંધ કર્યું હતું. તેમ છતાં, તેમનાં બાળકો શાળા છોડ્યા પછી ફરી વાર શાળામાં જતાં નહોતાં. મંજુલાબહેને આ ડ્રોપ આઉટ બાળકોને ફરીવાર શાળા સાથે જોડવાનું બીડું ઝડપ્યું. તેમણે બાળકો સાથે અવાર-નવાર અનૌપચારિક સંવાદ રચીને તેમને શાળાએ જવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું. ઉપરાંત, તેમણે વાલીઓને પણ શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું. મંજુલાબહેનના પ્રયાસોથી નાયક ફળિયાનાં બાળકો ફરીવાર શાળાએ જતાં થયાં છે.