
મુવાડા (રૂવાબારી) ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ

દેવગઢ બારીયા તાલુકાનાં ગામોમાં મહિલાઓ કુપોષિત છે અને સગર્ભાવસ્થા દરમ્યાન શરીરમાં લોહી ઓછું હોવાથી કે લોહી ન મળવાથી મહિલાઓનાં અને જન્મ લેતાં બાળકોનાં મૃત્યુનું જોખમ રહે છે. અહીંનાં ગામોની અનેક મહિલાઓમાં 7 ટકાથી ઓછું હિમોગ્લોબિન હોવાથી ગર્ભાવસ્થામાં તેમને આયર્ન સુક્રોઝના ઇજેકશન આપવાની જરૂર પડતી હોય છે. વળી, જો પ્રસૂતિ વખતે લોહીની જરૂરિયાત ઊભી થાય અને તે સમયસર ન મળે તો તે મહિલા અને તેના બાળકનાં મૃત્યુનું જોખમ ઊભું થાય છે. ‘આનંદી’ અને ‘દેવગઢ મહિલા સંગઠન’ દ્વારા યોજાયેલી જુદીજુદી તાલીમો અને મિટિંગોમાં ભાગ લેવાથી સ્થાનિક પંચાયતના સભ્યો અને સરપંચોમાં આ બાબતે તથા આરોગ્યને લગતા અન્ય મુદ્દાઓ બાબતે સમજ કેળવાઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, મુવાડા (રૂવાબારી) ગામની પંચાયત અને મહેશભાઈ લબડા જેવા યુવા કાર્યકરોએ, બહેનોનું જીવન બચાવવા માટે રક્તદાનની પ્રવૃત્તિને જબરદસ્ત ઝુંબેશ બનાવી દીધી છે. અત્યાર સુધીમાં તેમણે નજીકના અંતેલા ગામ અને પોતાના ગામમાં મળીને આશરે 96 યુનિટથી વધારે યુનિટનું રક્તદાન કર્યું છે અને કરાવ્યું છે. હવે તેઓ દર મહિને કોઈક ને કોઈક ગામમાં રક્તદાન શિબિર યોજે છે અને માનવ જીવન બચાવવાનું ઉમદા કાર્ય કરે છે.