શારદાબહેન બારીયા ,પંચાયત-સભ્ય અને ગ્રામસાથી (બામરોલી મુવાડા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
પંચાયત-સભ્ય અને ગ્રામસાથી શારદાબહેન બારીયા
ગામલોકોનાં બીમાર ઢોરની સારવાર માટે શારદાબહેન અનેકવાર મદદરૂપ થયાં છે. ગામનાં બીમાર પશુઓની સારવાર માટે, સરકારની પશુઓ માટેની 1962 નંબરની હૅલ્પલાઈનની સેવાઓ ગામમાં ઉપલબ્ધ કરાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ગામની બહેનો સાથે પંચાયત-સભ્ય અને ગ્રામસાથી શારદાબહેન બારીયા
ગામના પૂજારા ફળિયાના અને શાળાના બંધ હૅન્ડપંપને રિપેર કરાવવાની કોઈ દરકાર લેતું નહોતું. શારદાબહેને તેનો ઉકેલ લાવવાનું બીડું ઝડપ્યું અને પાણી પુરવઠા બૉર્ડની 1916 હૅલ્પલાઈનનો ઉપયોગ કરીને તેમણે ગામના પૂજારા ફળિયાનો અને શાળાનો હૅન્ડપંપ રિપેર કરાવીને પીવાનાં પાણીની સુવિધા ઊભી કરી.
એસએમસીના સભ્યો સાથે પંચાયત-સભ્ય અને ગ્રામસાથી શારદાબહેન બારીયા
ગામની ‘શાળા વ્યવસ્થાપન સમિતિ' (એસએમસી)નાં એક સભ્ય તરીકે શારદાબહેન, એસએમસીની મિટિંગ નિયમિત રીતે યોજાય તથા ગામનાં બાળકો નિયમિત રીતે શાળાએ જાય એવી કાળજી લે છે. તેથી બધાં બાળકો હવે નિયમિત રીતે શાળાએ આવતાં થયાં છે. શારદાબહેન દર અઠવાડિયે ગામની શાળાની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવે છે. ઉપરાંત, શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ અને પૂરતું મધ્યાહન ભોજન આપવામાં આવે તેની તેઓ તકેદારી રાખે છે.
આવાસનાં હકદાર જુમલીબહેન સાથે પંચાયત સભ્ય અને ગ્રામસાથી શારદાબહેન બારીયા
પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સરકારી યોજનાઓનો અમલ કરાવવામાં અને તેમાં થતી ગેરરીતિઓ અટકાવવામાં શારદાબહેને નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ‘આનંદી’ના માર્ગદર્શનથી ઓનલાઈન અરજી કરવાની તાલીમ તેમના માટે ફળદાયી નીવડી. શારદાબહેને કરેલી 165 ઓનલાઈન અરજીમાંથી જુમલીબહેનના પરિવાર જેવા 47 પરિવારોને આવાસ મળી ગયા તેનો આનંદ અને સંતોષ શારદાબહેનના ચહેરા ઉપર અચૂક જોવા મળે. ગામના જરૂરિયાતમંદોને આવાસ પણ મળ્યા અને તેમની સાથે થતી છેતરપીંડી પણ અટકી એ શારદાબહેનની આગેવાનીથી શક્ય બન્યું.
રાશન અને વિધવા પેન્શનનો હક મેળવનાર બહેનો સાથે પંચાયત-સભ્ય અને ગ્રામસાથી શારદાબહેન બારીયા
શારદાબહેને ગામનાં 10 વિધવા બહેનોને પેન્શન અપાવ્યું છે. પૅન્શન ન મળ્યું હોત તો આ બહેનોને 20થી 25 ટકા વ્યાજે ઉછીના રૂપિયા લાવીને જીવન-ગુજરાન ચલાવવાની ફરજ પડત. શારદાબહેનના પ્રામાણિક અને જવાબદેહી નેતૃત્વમાં સુરતીબહેન, જુમલીબહેન અને શારદાબહેન રમેશભાઈ બારીયા જેવાં વંચિત બહેનો અને જરૂરિયાતમંદોને તેમના અધિકારો પ્રાપ્ત થયા છે.