સાવિત્રીબહેન પટેલ , ગ્રામસાથી (મેઘામુવાડી ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
પેન્શનનો હક મેળવનાર બીજલીબહેન સાથે ગ્રામસાથી સાવિત્રીબહેન પટેલ
મેઘામુવાડી ગામનાં 65 વર્ષનાં વૃદ્ધાં બીજલીબહેન બારીયાને નોટબંધી થયા પછી તેમના હક્કનું પેન્શન મળતું બંધ થઈ ગયું હતું. સાવિત્રીબહેને પોતાના મોબાઈલમાં જ ઓનલાઈન તપાસ કરી. બીજલીબહેનનું પૅન્શન બીજા કોઈના ખાતામાં જમા થતું હતું એ સાવિત્રીબહેને જાણ્યું. તે પછી સાવિત્રીબહેને વારંવાર મામલતદાર કચેરીમાં જઈને રજૂઆત કરી. સાવિત્રીબહેનના મક્કમ પ્રયાસોથી બીજલીબહેનને પૅન્શનનો અધિકાર મળ્યો. એટલું જ નહીં, સાવિત્રીબહેને વયોવૃદ્ધ બીજલીબહેનને અગાઉના બાકી રહેલા પૅન્શનના 13,000 રૂપિયા પણ અપાવ્યા.
પોતાના નામે જમીન વારસાઈનો હક પ્રાપ્ત કરનાર સવિતાબહેન સાથે ગ્રામસાથી સાવિત્રીબહેન પટેલ
સ્થાનિક વિસ્તારમાં વિધવા બહેનોનાં નામે જમીન વારસાઈ ન થઈ હોય તો તે રઝળી પડે અને તેને ડાકણ જાહેર કરવામાં આવે એવી સંભાવના વધી જાય છે. સ્થાનિક વિસ્તારમાં જમીન વારસાઈની પ્રક્રિયા કરવા માટે કોઈક તલાટી દસેક હજાર રૂપિયા પડાવી લે એવા કિસ્સા પણ બને છે. મેઘામુવાડીનાં વિધવા સવિતાબહેન પટેલ(કોળી)ને તેમના નામે જમીન વારસાઈ કરાવવામાં ગ્રામ-સાથી સાવિત્રીબહેને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સવિતાબહેનના નામે જમીન થવાથી તેમને ખેડૂત તરીકે જુદીજુદી સરકારી યોજનાઓનો લાભ મળવાનો શરૂ થયો છે. સવિતાબહેનને પહેલાં, તેમનાં બાળકોને લઈને સુરતમાં બાંધકામ મજૂરીએ જવાની ફરજ પડતી હતી. હવે તેઓ ‘દેવગઢ મહિલા સંગઠન'માં સ્વયંસેવક તરીકે પણ જોડાયાં છે અને બીજી બહેનોને પણ મદદ કરી રહ્યાં છે એ નોંધપાત્ર છે.
રાશનનો અધિકાર મેળવનાર બહેનો સાથે ગ્રામસાથી સાવિત્રીબહેન પટેલ
ગ્રામ-સાથી સાવિત્રીબહેને ગામની જાહેર વિતરણ વ્યવસ્થાને અસરકારક બનાવવામાં આગેવાની પૂરી પાડી છે. મેઘામુવાડીના 28 પરિવારોને ગામની વાજબી ભાવની રાશનની દુકાનમાંથી અનાજ મળતું નહોતું. જાગૃત સાવિત્રીબહેને ગામના ડેપ્યુટી સરપંચ પાસેથી બીપીએલ કુટુંબો અને અગ્રતાક્રમવાળાં કુટુંબો વગેરેની યાદી મેળવી, તેની ખરાઈ કરી અને પછી મામલતદારને સામૂહિક અરજી કરીને 28 પરિવારોને તેમના હકનું રાશન અપાવ્યું. ‘આનંદી’ અને ‘દેવગઢ મહિલા સંગઠન’ દ્વારા મામલતદાર ઑફિસમાં ચાલતા ‘લોક અધિકાર કેન્દ્ર’ની બહેનો પાસેથી તેમને રાશનનો આ પ્રશ્ન ઉકેલવા માટે માર્ગદર્શન મળ્યું હતું.
શિષ્યવૃત્તિનો હક મેળવનાર બાળકો સાથે ગ્રામસાથી સાવિત્રીબહેન પટેલ
સાવિત્રીબહેન, ગામની ‘શાળા વ્યવસ્થાપન સમિતિ’ (એસએમસી)નાં સભ્ય છે અને સમિતિની મિટિંગ નિયમિત રીતે યોજાય તેનું ધ્યાન રાખે છે. ગામની સરકારી શાળામાં ત્રીજા-ચોથા ધોરણમાં ભણતાં ત્રણ બાળકો શાળાએ જતાં નથી એવી જાણ થતાં તેમણે ત્રણેય બાળકોનાં મા-બાપની મુલાકાત લઈ, બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા સમજાવ્યાં. તેમના ધીરજભર્યા પ્રયાસોથી હવે એ ત્રણેય બાળકો નિયમિત રીતે શાળાએ જતાં થયાં છે. સાવિત્રીબહેને ગામનાં તકવંચિત બાળકોને શિષ્યવૃત્તિનો પણ અધિકાર અપાવ્યો છે.