ડૉ. ભરત ભગત
ડૉ. ભરત ભગત
drbharatbhagat@gmail.com
” સ્ત્રી, શોષણનું સાધન બની ગઈ છે. એ સ્વતંત્રતા અને સન્માનથી વંચિત છે. પરિવાર, સમાજ કે ગામમાં એના અવાજનું અસ્તિત્વ જ નથી. એની વેદનાને વાચા આપવા, એની પાસે તક નથી. મૂળભૂત માનવહક્કો પ્રાપ્ત કરવાની એની પાસે સમજ કે શક્તિ નથી. શહેરોમાં અદ્યતનતાનો આંચળો પહેરી જીવતા નગરજનોના ઘરમાં પણ સ્ત્રી હડધૂત છે. બહારનો શણગાર દેખાય છે પણ ઘરમાં એની નગ્નતાને નિહાળનાર કોઈ નથી. ગ્રામ્ય અને આદિવાસી મહિલાઓની સ્થિતિ તો દોજખ કરતાં યે બદ્દતર છે. સુશિક્ષિત કે અભણ, સુખી કે દુઃખી, તવંગર કે ગરીબ ઘરમાં એક સરખી જ પરિસ્થિતિ છે.” લગભગ 25 વર્ષ પહેલાં ‘ આનંદી ‘ સંસ્થાના આદ્યસ્થાપકોમાંનાં એક સેજલબેન દંડના શબ્દોનો ભાવ હું આ રીતે સમજી શક્યો હતો. કચ્છની આ યુવતીએ સ્ત્રી સક્ષમીકરણ માટે પોતાના જીવનની આહુતિ આપી દીધી છે. મહિનાના 20-25 દિવસો મોરબી, માળિયા, પંચમહાલ, શિહોર, કચ્છ જિલ્લાની આદિવાસી, પછાત, વંચિત અને શોષિત મહિલાઓની સ્વતંત્રા અને સન્માન મળે અને એ સક્ષમ અને સુર્દઢ, સ્વનિર્ભર અને સ્વમાની બનોએ કાજે એ પ્રવાસો કરતી જ રહે છે.
આનંદી શબ્દ જ સ્વયંમ તેના ભાવને વ્યક્ત કરે છે. સંસ્થાનું આખું નામ છે ‘એરિયા નેટવર્કિંગ અને ડેવલપમેન્ટ ઈનીશીએટીવ્ઝ’ જેનું કામ છે મહિલાઓના સંગઠનોનું સક્ષમીકરણ અને નેતૃત્વ વિકાસ. આ સંસ્થાના વાર્ષિક અહેવાલની ખૂબી એ છે કે એમાં કોઈ ટ્રસ્ટી કે અગ્રણીના નામ નથી, એમની કોઈ પ્રસિધ્ધિ નથી છતાં યે પ્રત્યેક પાને મહિલાઓની વિકાસગાથા આંખે ઊડીને વળગે તેમ છે. એનું એક વાક્ય મને ખૂબ ગમ્યું એટલે એમ જ મૂકું છું.” આનંદી દ્રઢપણે માને છે કે પરિવર્તનની પ્રકિયા ત્યારે જ ટકાઉ બને છે જ્યારે સંગઠન અને તેના આગેવાનો બદલવાની પ્રકિયામાં વિશ્વાસ રાખે તથા પોતાના સંદર્ભની સમજ મુજબ બદલાવ માટે પહેલ કરે તેથી જ મહિલા સંગઠનોનું સક્ષમીકરણ પર ભાર મૂક્યો છે. આ સંગઠનોમાં આર્થિક અને સામાજિક વંચિત મહિલાઓ નેતૃત્વ સંભાળે છે.”
સેજલબેને મારા પ્રશ્નોનો સીધો ઉત્તર આપતાં કહ્યું: ” આજે અમે 245 ગામોમાં સીધા જ કામ કરીએ છીએ પરંતું મધ્યપ્રદેશ જેવા રાજ્યના 58 જેટલાં સીનીયર અધિકારીઓને તાલીમ આપી ત્યાં આવા કાર્યક્રમો માટે તેમને તૈયાર કરીએ છીએ એટલે એનો વ્યાપ વધુ મોટો થતો જશે. ગુજરાતમાં દેવગઢ મહિલા સંગઠન, માળિયા મહિલા શક્તિ સંગઠન, પાનમ મહિલા સંગઠન અને મહિલા સ્વરાજ મંડળ અમે શરૂ કર્યા છે. આ સંગઠનની બહેનો તેમના સ્થાનિક પ્રશ્નો, સમસ્યાઓ અને જરૂરિયાતો ઉપર કામ કરે છે. આજ મંડળની બહેનો પોતાના નેતા નીમે. અમે આ નેતાઓને સર્વાંગી વિકાસ માટે તાલીમ આપીએ. નેતૃત્વના ગુણ સાથે તમામ મહિલાઓનો અવાજ સંભળાય, તેમના પ્રશ્નો અને જરૂરિયાતો સમજાય, તેની નોંધ થાય તેવું શીખવીએ. આમ અમે તેમની આંતરીક શાસન વ્યવસ્થા અને માળખાઓનું ક્ષમતા વર્ધન કરીએ. તેમના કૌશલ્યને આયોજન, સભા સંચાલન, નોંધ તૈયાર કરાવવાની તાલીમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે જોડાણ, સરકાર કે વ્યક્તિઓ પાસે જવાબદેહિતાના મૂલ્ય આધારે જાહેર પારદર્શિતાના પ્રયાસ, સલામતી અને સુરક્ષા માટે સંગઠની ન્યાય સમિતિ, મહિલા હિંસાના મામલે કાયદાકિય સહયોગ જેવી કાર્યવાહી માટે મહિલા સંગઠનોને મજબૂત બનાવીએ છીએ.
અમે રાજ્ય સરકાર કે રાષ્ટ્રીય સહકાર સાથે મળીને મહિલાઓના માનવહક્કો માટે કામ કરીએ છીએ. છેક છેવાડાની મહિલાઓનો અવાજ અને જરૂરિયાત સમજી એ સરકાર સુધી પહોંચાડીએ છીએ જેથી કાયદો બને ત્યારે એ મહિલાઓનો અવાજ સરકારને પહોંચે. એ જ રીતે સરકારના કાયદાઓનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચે એટલે અમે મહિલાઓને કાયદાથી તેના હક્કથી જાગૃત્ત કરી વિકાસના પંથે લઈ જઈએ છીએ.
અમારા ફીલ્ડવર્કનું સરસ ડોક્યુમેન્ટેશન હોય એમાંથી રીસર્ચ કરી કાયદાના નવા સંશોધનોમાં સહયોગ કરીએ છીએ. આજે અમને ગૌરવ છે કે અમારો અવાજ અને અભિપ્રાય માત્ર રાષ્ટ્ર કક્ષાએ જ નહીં પરંતું આંતરાષ્ટ્રીય સંમેલનો કે યુનોમાં સંભળાય છે.”
માનવ હક્કો માટે મહિલાઓનું સક્ષમીકરણ કરતી આનંદી સંસ્થા માને છે કે સરકારના વિવિધ વિભાગોમાં કાયદા બને છે જેમાં મહિલાને હક્કો મળે છે જેમાં આરોગ્ય, શિક્ષણ, પેન્શન, સ્વરોજગાર છે પણ મહિલાઓને આની ખબર નથી. બહેનોની નજરે વિકાસ જોઈએ તો આર્થિક, પાણી, શિક્ષણ, રોજગારી, ભૂખમરો, કુપોષણ જેવું બધું જ જોડાયેલું છે તો આ માટે બધું જ સાથે મળે તે જરૂરી છે. વોટ સિવાય પણ નાગરીકતા અને અસંખ્ય હક્કો મહિલાઓને મળેલા છે પરંતું એ પહોંચે કેવી રીતે ? મને સેજલબેને કહ્યું, આનંદી એમના આ પ્રશ્નોમાં રોકાણ કરે છે. હેલ્થના કારણે આજીવિકાના પ્રશ્નો થાય, વધતું કુપોષણ, ઘટતા જંગલ, ગોચર આજીવિકાને આડે આવે છે. એટલે આનંદી એ વિચારથી કામ કરે છે કે ગામની મિલ્કત ગામમાં જ વપરાય, સ્થાન ઉપર જ રોજી મળે એટલે આ માટે કાર્યક્રમોનું આયોજન થાય છે.
ત્રીજો મોટો પ્રશ્ન છે મહિલા હિંસા, ઘરેલું હિંસા, પોલિસ કે ન્યાયના કાર્યમાં વિલંબ એટલે મહિલા પોતાનો હક્ક પામી શકતી નથી એટલે પહેલાંની જેમ ગામ પંચના કન્સેપ્ટને રીવાઈઝ કરીએ છીએ. એ પંચમાં પણ મહિલાઓ હોય એટલે સામાન્ય પ્રશ્નો તરત ઉકેલાઈ જાય.
સરકારે રાઈટ ટુ એજ્યુકેશન, ફુડ, વોટર, આરોગ્ય, શિક્ષણ, પેન્શન ફંડ, વેલફેર જેવા અગત્યના વિષયો સામેલ કર્યા છે જે અજ્ઞાનતાના અભાવે લાભાર્થી સુધી પહોંચતા નથી. ‘ આનંદી સ્થાનિક યુવક-યુવતિઓને તાલીમ આપી મહિલાઓને લાભ મળે, ન્યાય મળે અને જીવન સુખી થાય તેવું કાર્ય આનંદી જુદા જુદા સંગઠનોનાં સ્વૈચ્છિક અને પેઈડ કાર્યકર્તાઓથી કામ કરે છે જેના પરિણામો વિશ્વભરમાં નોંધાયા છે એટલે આ ટ્રસ્ટને દેશ-પરદેશમાંથી ગ્રાન્ટ મળે છે.
પંચાયતી રાજનો કાદો ત્રણ કક્ષાએ કાર્ય કરે છે. જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આનંદી ગ્રામ પંચાયતમાં લોકોની ભાગીદારીથી વિકાસ, દરેક સમુદાયના પ્રશ્નોનો ઉકેલ, પર્યાય અને ગુડ ગવર્નન્સથી ટકાઉ વિકાસ માટે પ્રયત્નશીલ છે
સેજલબેન કહે છે ગુડ ગવર્નન્સ શુડ મુવ તો લાસ્ટ લેવલ. એ ઉમેરે છે કે જ્યારે કાયદો બનતો હોય ત્યારે અમે રાજ્ય કે રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય સ્તરે બહેનોને લઈ જઈએ છીએ તેમનો અવાજ સંભળાય, સરકારે જે આશ્વાસન આપ્યું હોય તે પુરૂં થાય છે કે નહીં તે અમે ચકાસી સરકારને માહિતગાર રાખીએ છીએ.
સેજલબેનની એક વાત મને બહુ ગમી એ કહે છે ” અમે સતત નવા કાયદા જાણવા, સમજવા, શિખવા તૈયાર હોઈએ છીએ. અમારી જાતને અપડેઈટ રાખીએ છીએ જેથી બધા જ સંગઠનોથી સક્ષમીકરણ વધે છે. અમે માનીએ છે કે બધાની શક્તિ વધવી જોઈએ જેના માટે અમે જવાબદારીઓ લઈએ છીએ.”
આનંદી સંસ્થાના સંગઠનો મહિલાઓના સક્ષમીકરણ અને નેતૃત્વ લોક અધિકાર કાર્યક્રમ, મહિલાઓની સલામતી અને સુરક્ષા, ટકાઉ આજીવિકા અને મહિલા ખેડૂત સંગઠનો, બાળ અધિકાર, સામાન્ય અધિકાર અને પોષણના હક્કો, યુવા નેતૃત્વ કાર્યક્રમ અને પંચાયતોનું સક્ષમીકરણ જેવા અનેકવિધ કાર્યક્રમો સ્થાનિક જરૂરીયાત મુજબ કરે છે.”
મને ખૂબ આનંદ એ વાતનો થયો ‘ આનંદી ‘ મહિલાના સક્ષમીકરણ દ્વારા, પરિવાર, સમાજ, ગામ અને દેશને સક્ષમ બનાવવાની દિશામાં અદ્દભૂત કાર્ય કરી રહી છે. આંકડાનું મૂલ્ય નથી છતાંયે આટલા વર્ષોમાં લાખ્ખો મહિલાઓ સુધી પહોંચનાર ‘ આનંદી ‘ ખરેખર આપણા જેવા નાગરિકો માટે અત્યંત આનંદ લાવનારી સંસ્થા છે.