લીલાબહેન બારીયા ,ગ્રામસાથી (મોટી મંગોઈ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
ગ્રામસાથી લીલાબહેન બારીયા સાથે પાલક માતા-પિતા યોજનાનો અધિકાર મેળવનારું કુટુંબ
72 વર્ષના ભીખાભાઈ દલાભાઈ રાવળ અને તેમનાં પત્ની ગંગાબહેન, બારીયા તાલુકાના મોટી મંગોઈ ગામમાં રહે છે. ભીખાભાઈની ભત્રીજી પુનઃલગ્ન કરીને સાસરે જતાં રહ્યાં હોવાથી તેમનાં ચારેય બાળકો રઝળી પડ્યાં હતાં. ભીખાભાઈ અને ગંગાબહેનને પોતાને કોઈ સંતાન નહીં અને પતિ-પત્ની બન્ને વયોવૃદ્ધ હોવાથી આવકનો કોઈ સ્ત્રોત નહોતો. ત્યારે તેમના ગામનાં ગ્રામસાથી લીલાબહેન બારીયા તેમની મદદે આવ્યાં. લીલાબહેને ભીખાભાઈની ભત્રીજીનાં નિરાધાર ચારમાંથી બે બાળકોને રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજનાનો અધિકાર અપાવ્યો છે. લીલાબહેનના પ્રયાસોથી પાલક યોજના હેઠળ, બે બાળકોનાં બેંક ખાતામાં માસિક 3000 રૂપિયા મળતા થયા. એટલું જ નહીં, લીલાબહેનના પ્રયત્નોથી ભીખાભાઈ અને ગંગાબહેનને, માસિક વૃદ્ધ પૅન્શન પણ મળતું થયું. આ પરિવારને જુદીજુદી યોજનાઓનો અધિકાર અપાવવા, લીલાબહેન અવારનવાર તેમની સાથે તાલુકા મથકે આવેલી સરકારી કચેરીઓએ જતાં. તે માટે વાહન ભાડાનો જે કંઈ ખર્ચ થાય તે તેમણે જ ઉઠાવીને નિરાધાર બાળકો તથા આ વૃદ્ધજનોને બહુ મોટી રાહત આપી છે.
ગ્રામસાથી લીલાબહેન બારીયા સાથે ગામની બહેનો
મોટી મંગોઈ ગામનાં લીલાબહેન બારીયાએ ગામના પાયાના પ્રશ્નોના ઉકેલ લાવવામાં પાછી પાની નથી કરી. ગામના 7 હૅન્ડપંપ બંધ થઈ ગયા હતા, તે તેમણે રિપેર કરાવીને ફરી ચાલુ કરાવ્યા. ઉપરાંત, બીજા બે નવા હૅન્ડપંપ નંખાવડાવીને ગામનાં જુદાંજુદાં ફળિયાંની પીવાનાં પાણીની સમસ્યા તેમણે ઉકેલી છે. ગામના ઘડોઈ અને નિશાળ ફળિયાની બહેનોને પહેલાં અડધો કિલોમીટર દૂરથી પાણી લાવવું પડતું. ઢોરો માટે પાણી મેળવવામાં પણ મુશ્કેલી વેઠવી પડતી. હૅન્ડપંપ બનવાથી ગામની બહેનો હવે રાહત અનુભવે છે.
ગ્રામસાથી લીલાબહેન બારીયા સાથે આવાસ યોજનાના લાભાર્થી બુધાભાઈ
મોટી મંગોઈનાં 115 વંચિત કુટુંબોને આવાસ યોજનાનો અધિકાર અપાવવા માટે જરૂરી પુરાવા એકત્ર કરવામાં ગ્રામસાથી લીલાબહેને બહુ મહેનત કરવી પડી છે. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા અને સ્થળાંતર કરતા ગરીબ પરિવારો પાસે આધારકાર્ડ અને રાશનકાર્ડ જેવા પુરાવા પણ નહોતા. ઓળખના પુરાવા વગર લોકોને સરકારી યોજનાનો અધિકાર અપાવવો શક્ય નથી તે સારી રીતે જાણતાં લીલાબહેને 102 વંચિત પરિવારોનાં આધાર કાર્ડ કરાવી આપ્યાં છે. તે માટે ગામના વૃદ્ધજનોને સાચવીને પોતાના ખર્ચે બારીયામાં મામલતદાર કચેરીએ લઈ જવામાં તેમણે ઘણી જહેમત ઉઠાવી છે.
ગ્રામસાથી લીલાબહેન બારીયા સાથે શૌચાલય યોજનાના લાભાર્થીબહેનો
ગામમાં આરોગ્ય અને સ્વચ્છતા જળવાય તે માટે લીલાબહેને ગામના લોકોને શૌચાલય બનાવવા સમજાવ્યા હતા, તેમના પ્રયાસોથી ગામના તળાવ ફળિયા, ઘડોઈ ફળિયા અને રાવળ ફળિયાનાં 40 ઘરોમાં લીલાબહેનના પ્રયત્નોથી સરકારી યોજના હેઠળ શૌચાલયો બન્યાં છે.
પોતાના ઘરે ગામની શાળાનાં બાળકોને ભણાવી રહેલાં ગ્રામસાથી લીલાબહેન બારીયા
મોટી મંગોઈ ગામમાંથી અનેક કુટુંબોને રોજગારી માટે બહારગામ સ્થળાંતર કરવું પડતું હોવાથી બાળકો શિક્ષણ મેળવવાથી વંચિત રહી જતાં હતાં. સંગઠન અને સંસ્થા દ્વારા આ બાળકોનું શિક્ષણ બચાવવા માટે ગામની 'શાળા વ્યવસ્થાપન સમિતિ' (એસએમસી) દ્વારા રચાયેલી ફળિયા શાળા સમિતિના સભ્ય લીલાબહેનના ઘરે જ શિક્ષણના વર્ગો ચલાવવામાં આવે છે. આજથી પાંચેક વર્ષ પહેલાં શરૂ થયેલા આ શિક્ષણકાર્યમાં સ્થળાંતરિત પરિવારો સહિત અન્ય કુટુંબોનાં મળીને 100 બાળકો જોડાયેલાં છે. બાળકોને નોટ, પેન, ચોક, ડસ્ટર, બ્લેક બૉર્ડ વગેરે જેવાં ભણવા માટેનાં સાધનોની જરૂર હતી. તેથી ‘આનંદી’ સંસ્થા પાસે આ સાધનોની માંગ કરવામાં આવી. ‘આનંદી’ સંસ્થા દ્વારા આ સાધનો ખરીદીને સમિતિના સભ્યોની હાજરીમાં તે શૈક્ષણિક સાધનો આપવામાં આવ્યા. લીલાબહેને ‘આનંદી'નાં મદદ અને માર્ગદર્શનથી વિવિધ ગીતો તેમ જ રમતોની તાલીમ લીધી છે. લીલાબહેન, રમતો અને ગીતોનાં માધ્યમથી રસપ્રદ શિક્ષણ આપતાં હોવાથી બાળકોનો ભણવામાં ઉત્સાહ જાગ્યો છે. પરિણામે, ગામની શાળાનાં બાળકોને શાળા છોડી જવાનું પ્રમાણ (ડ્રોપ આઉટ રેટ) પણ ઘટ્યું છે.