04Apr
જંગલ-જમીનના દાવેદારો સાથે પંચાયત-સભ્ય અને પૂર્વ સરપંચ સુમિત્રાબહેન નાયક
પંચાયત-સભ્ય સુમિત્રાબહેને પોતાના ગામ આમલીપાણી છોત્રામાં, જંગલ-જમીનની દાવા-અરજીઓ કરાવવામાં તેમ જ આરટીઆઈમાં મળેલી માહિતીના આધારે જમીનના દાવેદારોને ન્યાય મળે તે માટે અપીલ કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ‘આનંદી’ સંસ્થા દ્વારા યોજાયેલી વન અધિકાર અધિનિયમ અંગેની તાલીમમાં તેઓ જીપીએસની મદદથી જંગલ-જમીનની માપણી કરતા શીખ્યાં. જમીનની સેટેલાઈટ ઇમેજથી જે-તે જમીન ઉપર ઝાડ, બોર, કૂવા, ઘર, પથ્થર-પાળા વગેરે કેટલાં છે અને કેવી સ્થિતિમાં છે તેમ જ જંગલની જમીન ખેડાણ હેઠળ છે કે કેમ તે પણ તેઓ જાણતાં થયાં છે. સુમિત્રાબહેને તેમના ગામની જંગલજમીનના 37 દાવેદારોની જમીનની માપણી કરી આપી છે. એટલું જ નહીં, તેમની જમીન-ખેડાણની દંડ પાવતી, પાણી પત્રક તથા જૂની સાત-બારની નકલો વગેરે એકત્ર કરીને, જમીનની દાવા-અરજી કરવામાં પણ તેમણે લોકોને ઉત્સાહભેર મદદ પૂરી પાડી છે.