સીતાબહેન બારીયા , દેવગઢ મહિલા સંગઠનના ઘોઘંબા કલ્સ્ટરનાં આગેવાન (બારા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
દેવગઢ મહિલા સંગઠનના ઘોઘંબા કલ્સ્ટરનાં આગેવાન સીતાબહેન બારીયા, આઠ વર્ષની બાળકી પિન્કલ અને તેના દાદા
બારા ગામની આઠ વર્ષની પિન્કલ કાળુભાઈ નાયક નામની બાળકીનાં માતા-પિતા, કાકા-કાકી અને દાદીનું અવસાન થયું છે, તેથી તે તેના દાદાના સહારે જીવી રહી છે. પિન્કલની જન્મની નોંધણીનો દાખલો સંગઠને કઢાવી આપ્યો. તેથી તેને પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયાની સહાય મળતી થઈ. પરિણામે, તેના દાદાને ખૂબ રાહત અને ટેકો પ્રાપ્ત થયાં છે. જન્મ અને મરણની નોંધણી ન થઈ હોવાથી જુદાજુદા દસ્તાવેજો અને અધિકારો મેળવવામાં સ્થાનિક લોકોને બહુ તકલીફો વેઠવી પડતી. ‘દેવગઢ મહિલા સંગઠન’ અને ‘આનંદી’ દ્વારા સ્થાનિક ગામોમાં દર છ મહિને યોજાતી ‘બાળ-સ્વાચ્ય ઝુંબેશ' દરમ્યાન પણ કાર્યકરોએ બાળકની ઉમર જાણવાની કોશિશ કરી ત્યારે જન્મનો દાખલો ન હોવાની વાત જાણવા મળી. ‘રોજી રોટી લોકઝુંબેશ’ પછી બારીયા તાલુકા મથકે યોજાયેલી જનસુનાવણીમાં સંગઠનના બારા કલ્સ્ટરનાં આગેવાન સીતાબહેને જન્મ-નોંધણીનો મુદ્દો રજૂ કરીને તેનો ઉકેલ લાવવાની માંગ કરી. ઉપરાંત, સીતાબહેને ગ્રામજનોને પણ જન્મમરણની નોંધણી કરાવવા બાબતે જાગૃત કર્યા. સંગઠનના પ્રયાસોથી હવે બારા ગામમાં દર બુધવારે પંચાયત ઑફિસ ખુલવા લાગી છે અને ગ્રામજનો જન્મ-મરણની નોંધણી કરાવવા લાગ્યા છે.
રોજગારી માટે શહેરો તરફ સ્થળાંતર કરતા પરિવારો સાથે આગેવાન સીતાબહેન બારીયા અને ગ્રામ સાથી રંગીતભાઈ નાયક
બારા ગામના મોટાભાગના લોકોને રોજગારી રળવા માટે સ્થળાંતર કરીને બહાર જવું પડે છે. સ્થળાંતરિત પરિવારોમાં બાળકની માતાને ઘણીવાર બાળક જન્મે તેના પંદર જ દિવસમાં રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે. પરિણામે, જન્મ-નોંધણી કરાવવાનું ચૂકી જવાતું હોય છે. પહેલાં સ્થાનિક લોકોને જન્મ-નોંધણીનું મહત્ત્વ ખબર નહોતી તેમ જ, બારીયા તાલુકાનાં બીજાં ઘણાં ગામોની જેમ બારા ગામમાં પણ પંચાયતની ઑફિસ નિયમિત રીતે ખુલતી નહોતી. તેના કારણે પણ જન્મ-મરણ નોંધણી જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવવાનાં કામો થઈ શકતાં નહોતાં. તેથી ‘દેવગઢ મહિલા સંગઠન’ અને ‘આનંદી'એ દરેક ગામમાં અઠવાડિયામાં એક દિવસ ‘પંચાયત દિવસ' તરીકે નક્કી કરી એ દિવસે પંચાયતની ઑફિસ અચૂક ખોલવામાં આવે એવો વિચાર પંચાયત સમક્ષ રજૂ કર્યો. પરિણામે, બારા ગામમાં હવે દર બુધવારે પંચાયત ઑફિસ ખુલવા લાગી હોવાથી ગામલોકોનાં અગત્યનાં કામો થવાં લાગ્યાં છે. હવે સ્થાનિક પરિવારોને મજૂરી માટે બહાર જવાની ફરજ ન પડે તે માટે ‘દેવગઢ મહિલા સંગઠન’ અને ‘આનંદી’એ સ્થાનિક ગામોમાં મનરેગા યોજના હેઠળ કામો શરૂ થાય એ દિશામાં પ્રયાસો આદર્યા છે.
જન્મ-નોંધણી કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પંચાયત-સભ્ય કમળાબહેન, આગેવાનો અને ગ્રામસાથી
આગેવાન સીતાબહેન બારીયા તેમ જ બારા ગામનાં વયોવૃદ્ધ આગેવાન રેશમબહેન નાયક, પૂર્વ આંગણવાડી કાર્યકર કમળાબહેન નાયક, ગામનાં આરોગ્ય કાર્યકર ઝેણીબહેન નાયક, બારા ગ્રામ પંચાયતનાં સભ્ય સીતાબહેન નાયક તથા ગ્રામસાથી રંગીતભાઈ નાયકના સામૂહિક પ્રયાસોથી જન્મ-નોંધણી કરાવવામાંથી બાકી રહી ગયેલાં સ્થાનિક 51 બાળકોમાંથી 24 બાળકોની જન્મની નોંધણી થઈ શકી. જાગૃત થઈને જન્મની નોંધણી કરાવવાથી બારા ગામનાં વિધવા સારીકાબહેન રાઠવાનાં ચાર બાળકોને શિષ્યવૃત્તિનો અધિકાર મળતો થયો છે. જૂની બેડી, સાદડીયા અને બારા ગામનાં આવાં કુલ 12 બાળકોને આધારકાર્ડ તથા જન્મના દાખલા હોવાથી શિષ્યવૃત્તિ મળતી થઈ છે.